Tuesday, September 2, 2014

ગુજરાતમાં વરસાદની હેલી , નર્મદા ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં વરસાદની હેલી ઃ નર્મદા ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન ઃ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ

ભરૃચ જિલ્લાનાં છ ગામોમાં ૨૦૦૦ લોકોનું સ્થળાંતર

નર્મદા ૧૨૯ મીટરની સપાટીએ ઃ લાઠીના મતીરાળામાં નવ, સંખેડામાં ૮, ઉમરગામમાં સાત, ગોંડલના દેરડી કુંભાજીમાં છ અને પાલિતાણા-તળાજામાં પાંચ ઇંચ વરસાદ

વડોદરા જિલ્લાનાં ૧૨૦ ગામો સતર્ક

સમગ્ર દેશમાં આ વર્ષનું ચોમાસુ સામાન્ય કરતાં વધુ વરસાદ થતા ખેડૂતો માટે આશાસ્પદ રહ્યું હતું. હજી પણ મેઘરાજાની અવિરત મહેર ચાલુ જ રહેવા પામી છે. આજે સમગ્ર ગુજરાતમાંથી ઠેરઠેર ધોધમાર વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. મધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા, મહી અને સાબરમતીમાં પૂરા આવ્યાં હતાં. ભરૃચ જિલ્લાના નદી કાંઠાના છ ગામોમાં ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભરૃચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી.  બંગાળના અખાત પર સર્જાયેલા દબાણને કારણે મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદ થયાંનું હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. આ સ્થિતિ રવિવાર સુધી ચાલુ રહેશે અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા, મહી અને ઢાઢર નદીમાં પાણીની સપાટી ઝડપભેર વધતાં વડોદરા જિલ્લામાં આ ત્રણેય નદીના કાંઠા વિસ્તારના ૧૨૦ ગામોને સતર્ક કરી દેવાયા છે.
 જેમાં મહી કાંઠાના ૩૯, નર્મદા કાંઠાના ૨૬ અને ઢાઢરનાં ૫૫ ગામોનો સમાવેશ થાય છે. આમ વડોદરા જિલ્લાનાં ૧૨૦ ગામોને તથા નર્મદાને કારણે ભરૃચ જિલ્લાના ૨૪ ગામો સતર્ક કરાયા છે. શિનોરમાં પણ આભ ફાટયાની સ્થિતિ હતી.  ૬૮ મિમિ વરસાદ પડતાં આ પંથકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સંખેડામાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના  ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી તથા પાટખિલોરી ગામે ધોધમાર ૬ ઈંચ વરસાદ ખાબકતા આ પંથક જળબંબાકાર બની ગયો હતો.  જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ વિરામ રહ્યા બાદ ગતરાત્રીથી ફરી વરસાદ શરૃ થયો છે. જેમાં લાઠીના મતીરાળામાં નવ ઇંચ, ઉના તથા કોડીનારમાં ચાર તથા સુત્રાપાડામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગર અને રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે. પોરબંદર નજીક મિયાણી નજીક આવેલો ડેમ 'મેઢાક્રીક સિંચાઈ યોજના' અઢી મીટરે છલોછલ ભરાઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પૂર્વ કચ્છના ગાંધીધામમાં આજે બે ઈંચ વરસાદ ખાબકતા આખુ શહેર હંમેશ મુજબ બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ ઠેકઠેકાણે પાણી ભરાયા હતા.  મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે બારે મેઘ ખાંગા થયા હતા. નર્મદા, ઓરસંગ, મહી સહિતની લગભગ બધી જ નદીઓ અને તળાવો ઊભરાયા હતા. નદીઓના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયાં હતા. નર્મદા ડેમ ઓવરફલો થતાં અને ૧૨૯ મીટરની સપાટી એ પાણી વહેતા થતાં નર્મદામાં પૂર ઉમટયા છે જેથી ડભોઇ કરનાળી ખાતે આવેલા ઘાટ પાણીમાં ડૂબ્યા છે.  નર્મદા ડેમે આજેતેનો ગયા વર્ષનો સર્વોચ્ચ સપાટીનો રેકરોડ તોડીને નવો રેકોર્ડ કર્યો હતો. ગયા વર્ષે તા.૭/૯/૧૨ની મધરાતે એક વાગ્યે ૧૨૯.૨૦ મીટરની વિક્રમજનક સપાટી નોંધાવી હતી. જે વિક્રમને પાછળ રાખીને નર્મદા ડેમે નવો રેકોર્ડ કર્યોહતો. સાંજે ૬ વાગ્યે ડેમની સપાટી ૧૨૯.૪૯ મીટર નોંધાઈ હતી. એક સમયે ડેમમાં પાણી ૧ કલાકમાં ૯ સેમી વધતું હતું. દક્ષિણ ગુજરાતના સુરત શહેર ઉપરાંત દા.ન.હવેલીમાં ૬, દમણમાં ૫ ઇંચ, ઉંમરગામમાં ૬.૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કપરાડા, પારડી, પારડી, નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પાંચ સહિત મહુવા, તળાજા, સિહોર અને ગારિયાધાર પંથકમાં વ્યાપક વરસાદના અહેવાલ છે. શેત્રુજી ડેમની સપાટી વધીને ૨૨ ફૂટ થઇ હતી. કચ્છના ગાંધીધામમાં ૨ અને મુંદ્રામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના ગૌંડલ તાલુકાના દેરડીમાં છ ઈંચ વરસાદ વરસી જતાં નદીમાં પુર આવ્યું હતું. ખટ ખિલોરીમાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો છે. દેવચડી બાંદરા, નાના મોટા સખપર, વિંઝીવડ, રાણસીકો મેસપરમાં બે ઈંચ, ચોરડીમાં અઢી ઈંચ, પિપળીયા, ગુંદાળા, ડૈયા ત્રાકુડામાં દોઢ ઈંચ વાડધરીમાં બે અને શિવરાજગઢમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. કોટડાસાંગાણીનાં રામોદમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
કોટડા સાંગાણીમાં સવારથી અત્યાર સુધીમાં ધીમી ધારે બે ઈંચ વરસાદ પડી ગયો હતો. રાજગઢ, અરડોઈ, ખરેડામાં ધીમીધારે ૨ ઈંચ વરસાદ પડતા નદીમાં પાણીની નવી આવક થઈ છે.
જામનગર શહેર ઉપર વધુ હોય તેમ વધુ વરસાદ શહેરમાં પડી રહ્યો છે. આજે સવારથી ગોરંભાયેલા આકાશે સવારે ઝરમર અને બપોરના ત્રણ વાગ્યાથી સાંજ સુધીમાં વધુ ચાર ઈંચ પાણી વરસાવતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
કાલાવડમાં સવારથી મેઘાડંબર વચ્ચે બપોરના ચાર વાગ્યા સુધીમાં પોણો અને સાંજના વધુ પોણો ઈંચ મળી છ વાગ્યા સુધીમાં દોઢ ઈંચ પાણી વરસ્યુ છે તેમજ ખંભાળીયામાં ધીમી ધારે દોઢ ઈંચ પાણી પડયું હતું અને ધ્રોલમાં વધુ પોણો અને જામજોધપુરમાં પોણો ઈંચ પાણી પડયુ હતું.
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ત્રણેક સપ્તાહ સુધી સતત વરસાદ વરસ્યા બાદ તા.૩૧નાં સમગ્ર જિલ્લામાં વિરામ રહ્યો હતો. જયારે ગઈકાલે વેરાવળ તથા જુનાગઢમાં હળવા ઝાંપટા વરસ્યા હતા પરંતુ ગઈકાલે ગુરૃવારે રાત્રીથી ધીમીધારે વરસાદ શરૃ થયો હતો. અને શુક્રવારે સાંજ સુધી મેઘસવારી જારી રહી હતી. જેમાં ઉના શહેર અને તાલુકામાં ત્રણ ઈંચ પાણી વરસી ગયું હતું. અને રસ્તાઓ પર તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તથા નદી નાળાઓમાં પૂર આવ્યું હતું.
પોરબંદર પંથકમાં દરિયાઈ પટ્ટી ઉપર વધતી ખારાશ અટકાવવા મેઢાક્રીક સિંચાઈ યોજના હેઠળ ૧૭૩૦ એમસીએફટી જળસંગ્રહ શક્તિ ધરાવતો મેઢાક્રીક ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમની જળસંચય શક્તિ પ્રમાણે આખેઆખો ડેમ અઢી મીટરે છલોછલ ભરાઈ ગયો છે.
કરનાળી ખાતે સુપ્રસિધ્ધ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસેનો વિસ્તાર પાણીથી જળબંબાકાર બન્યો છે. મહાદેવના મંદિર સિવાયનો તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે.  માત્ર મંદિરની જગ્યા સિવાય નર્મદા મૈયાના નીર ચોતરફ જોવા મળે છે. મંદિરે જવું હોય તો નાવડી કે  બોટમાં જવું પડે તેમ છે. શ્રધ્ધાળુઓ શ્રી કુબેરેશ્વર મંદિરે દર્શન કરવા બોટમાં જતા નજરે પડેતા હતા. તેમાંય શ્રી કુબેરેશ્વર મહાદેવજીનો ભંડારો આખોય પાણીમાં ગરકાવ છે. ત્યાંનું રાજીવ ગાંધી ભવન પાણીમાં છે. વીજ થાંભલા પાણીમાં ગરકાવ છે. આખોય વિસ્તારમાં  લાઇટો અને સાથેના ૧૪ ગામડામાં વીજ પ્રવાહ અગમચેતી રુપે બંધ કરવામાં આવ્યો છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદન પગલે સતત પાણીની આવક ચાલુ જ છે. ઓમકારેશ્વર બંધ સહિત બીજા નાના બંધોમાંથી આશરે ૧૧૮૪૩૧૬ ક્યુસેક પાણીની અધધ આવક થતા નર્મદા ડેમની સપાટી ગઇકાલથી જ ઝડપભેર વધી રહી હતી. આજે સવારે ૮ વાગ્યે સપાટી ૧૨૮.૪૨ મીટર હતી જે બપોરે ૧૨ વાગ્ય વધીને ૧૨૯.૦૬ મીટર થઇ ગઇ હતી. બપોરે બે વાગ્યે ૧૨૯.૨૯ મીટર સપાટી થઇ ત્યારે ગત વર્ષનો રેકોર્ડ બ્રેક થઇ ચૂક્યો હતો.
સાંજે ૪ વાગ્યે સપાટી ૧૨૯.૪૪ મીટર પર પહોંચી હતી અને સપાટીમાં હજી વધારો ચાલુ જ રહ્યો હતો. બપોરે ૩ વાગ્યે ૧૧૮૪૩૧૬ ક્યુસેકનો આવરો હતો ત્યારે ઓવરફ્લોની જાવક ૯૭૦૪૯૩ ક્યુસેક હતી.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી વડોદરા જિલ્લાની વિશાળ પટ ધરાવતી ઓરસંગમાં પણ પૂર ઘૂઘવી રહ્યા છે. બોડેલી નજીક આવેલા તાંદળજા ગામનું તળાવ ઓવરફ્લો થયાનું જાણવા મળ્યું છે. નસવાડી તાલુકાની અશ્વિન નદી પણ બે કાંઠે વહે છે. વિસ્તારના ચામેઠા સહિતના બે તળાવો પણ ઓવરફ્લોની સ્થિતિમાં છે. પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે વરસાદથી  એક મકાન ધરાશયી થતાં બે પશુઓના મોત થયા હતા. મહી નદીની જળ સપાટીમાં એકધારો વધારો થતા પાદરા તાલુકાના દસ ગામોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં બે-ત્રણ દિવસના હળવા વરસાદના વિરામ બાદ ગુરૃવારે વરસાદે બપોર પછી ધીરે ધીરે જોર પકડયું હતું. જેથી તમામ તાલુકામાં શુક્રવારે વહેલી સવારથી વરસાદનો માહોલ રહ્યો હતો.
સુરત જિલ્લાના કોસંબા-તરસાડી પંથકમાં આજે સવારે ૭ વાગ્યાની આસપાસ શરૃ થયેલા સાંબેલાધાર વરસાદે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ઝીંકી દેતાં નગરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.
સંઘપ્રદેશમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની આક્રમક રમતને કારણે ઠેરઠેર પાણી પાણી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે ગુરૃવારે ૮ વાગ્યાથી આજે શુક્રવારે સવારે ૮ વાગ્યા સુધી વિતેલા ૨૪ કલાકમાં દા.ન.હવેલીમાં ૧૪૭ મીમી (૬ ઈંચ) અને દમણમાં ૧૨૬ મીમી (૫ ઈંચ) વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં આજે સાંજે ૪-૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં જલાલપોરમાં ૯૮ મી.મી. (૩.૮ ઇંચ), નવસારીમાં ૯૬ મી.મી. (૩.૭ ઇંચ), વાંસદામાં ૬૦ મી.મી. (૨.૫ ઇંચ), ચીખલીમાં- ૪૬ મી.મી. (૧.૮ ઇંચ) અને ગણદેવીમાં ૪૫ મી.મી. (૧.૮ ઇંચ) વરસાદ વરસતાં ઠેર ઠેર જિલ્લામાં પાણી પાણી થઇ ગયું હતું.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સર્વત્ર બેસુમાર વરસાદ વરસાવી લોકોને હેરાન- પરેશાન કરી દીધાં છે. ગઇકાલે દિવસ દરમિયાન ઉમરગામમાં ૪.૫ ઇંચ વરસાદ વરસાવ્યા બાદ આજે પણ ઉમરગામ તાલુકાને મેઘરાજાએ તરબોળ કરી દીધો છે. આજે સવારે ૭ થી ૮ વાગ્યાના એક કલાકમાં જ ઉમરગામમાં ૮૬ મીમી (૩.૪૪) ઇંચ વરસાદ વરસતા અનેક માર્ગો પાણીમાં ડુબી ગયા હતાં. ૧ કલાકમાં આભ ફાટયું હોય એમ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured